શ્રીંપ્રેમકુટિર વિશે
ગુરુકૃપાથી શરૂ થયેલી અમારી રંગભક્તિની પાવન સફર.
અમે રંગભક્ત કઈ રીતે થયા તે માટે સને ૧૯૫૮-૫૯ની વાત છે. મારાં માતુશ્રી નામ ‘મધુબા’- તેમને વાઈ ચઢે. બહુ દવા કરાવી. બાધા-આખડી કરી પણ મટે જ નહીં. એટલે અમારા ગોર મહારાજ કે જે વ્યવસાયે ડૉક્ટર અને મારા પિતાશ્રી (નામે નારસિંહ પઢિયાર)ના મિત્ર એવા વાસુદેવભાઇ દવે - જે કિંખલોડ રહે, તેમણે કહ્યું કે 'નારસિંહ! જો તને વિશ્વાસ હોય તો તું નારેશ્વર જઈ પૂ. શ્રીરંગ અવધૂત મહારાજના દર્શન કરી આવ અને "મધુને વાઈ મટી જાય તો દર વર્ષે એક વખત દર્શને આવીશ" તેવી બાધા લેજે.' તેથી મારા માતાપિતા મને લઈને નારેશ્વર રોડ સ્ટેશને ઉતર્યા. પછી નારેશ્વર પહોંચ્યા.
પૂ.શ્રી બાપજી ખુરશીમાં ખુલ્લા શરીરે બેઠેલા હતા. દર્શન કર્યા. પગે લાગ્યા. પૂ.શ્રી બાપજીએ પૂછ્યું કે "ક્યાંથી આવો છો? શું થયું છે?" વગેરે. પછી કહ્યું કે વાઈ ચઢતી હોય તો આ ગુફાની પ્રદક્ષિણા કરો અને મારા માતાજીને સંબોધીને કહ્યું "તને સમય હોય તો સ્થાનની કોઈ સેવા કરજો." મારી માતાએ પ્રદક્ષિણા શરૂ કરી. ૨૦-૨૫ પ્રદક્ષિણા થઈ હશે ને વાઈ ચઢી અને નીચે પડી ગયાં. પૂ.શ્રી બાપજી કહે, "ચિંતા ન કરશો. હવે તેની વાઈ ગઈ." થોડી વારમાં મારી બાને ભાન આવ્યું. ઊઠીને બાપજીને પગે લાગ્યાં અને પૂછ્યું કે "શું કામ કરું?" તો પૂ.શ્રી બાપજીએ કહ્યું કે "આ ચોક લીંપી નાખ." મારા માતાજી છાણ લાવ્યા અને ચોક લીંપ્યો. નારેશ્વર ન જઈએ તો ફરીથી વાઈ ચાલુ થતી. આમ, અમારું કુટુંબ રંગભક્ત બન્યું.
પૂ.શ્રી બાપજીનું સાહિત્ય વાંચી ખ્યાલ આવ્યો કે ઉછાલીમાં એક સંત છે. તેમનાં દર્શન કરવા ગયા પરંતુ દર્શન ન થયાં. થોડા સમય પછી માતર પૂ.શ્રી બાલ અવધૂતને મળવા ગયા, ત્યાં પણ તેઓના દર્શન ન થયાં અને પ્રસાદ લઈને પાછા આવ્યા. પૂ.શ્રી પ્રેમ અવધૂતજીનો પણ ઉલ્લેખ હતો અને તે દિવસ આવી ગયો.
અમો ઊંઝા ઊમિયા માતાનાં દર્શન કરી નીકળ્યા એટલે વિચાર આવ્યો કે લીંચ ગામ વચ્ચે આવે છે તો અવધૂત કુટિરના તથા પ.પૂ. શ્રીપ્રેમ અવધૂતજીના દર્શન કરવા માટે જઈએ. અમો લીંચ ગયા અને ૨:૩૦ વાગ્યે અવધૂત કુટિર પહોંચ્યા. એક ભાઈએ આખી કુટિર બતાવી. પછી પ્રસાદ લઈને નીકળ્યા તો તે ભાઈએ કહ્યું કે પૂ.બાપુજી બહારગામથી કાલે જ આવ્યા છે. અમે ઘરે ગયા. આમ, અમોને પ.પૂ. શ્રીપ્રેમ અવધૂત ગુરુમહારાજ બાપુજીના પ્રથમ દર્શન તા. ૨૨-૨-૧૯૯૯ ને સોમવારના રોજ થયા હતા અને તેઓના ચરણોમાં માથું મૂકી દીધું.
આમ, દિવસો વીતતા ગયા અને પૂ.બાપુજીની પધરામણી તા. ૨૧-૩-૯૯ના રોજ સવારે ૧૦ વાગ્યે થઈ. પાદુકાપૂજન ચાલતું હતું. પૂ.બાપુજીના પાવન પગલાંથી અમારું ઘર અને સોસાયટી પાવન થઇ અને અમે સૌ ધન્ય ધન્ય બની ગયા.
પૂ.બાપુજી જયારે પ્રવાસમાં વડોદરા આવે ત્યારે અમે પૂ.બાપુજીની અનુકૂળતા મુજબ વાસદ હાઇવે પર કે વડોદરા દર્શન કરવા જતા. થોડા સમય પછી એવી ઈચ્છા થઇ કે હું મારા વતનમાં પૂ.બાપુજીને બોલવું અને ત્યાં બધા કુટુંબીજનો - સ્નેહીઓ - મિત્રો - જ્ઞાતિજનોને દર્શનનો લાભ મળે એ હેતુથી પૂ.બાપુજીને આમંત્રણ આપ્યું.
તા. ૨૨-૧૦-૧૯૯૯ ને શુક્રવારના રોજ પૂ.બાપુજી પહેલી વાર કોઠિયાખાડ આવ્યા ત્યારે તેઓશ્રી માટે દર્ભ કે જે પવિત્ર ગણાય અને જે મહીસાગરના કિનારે થાય, તેની સુંદર ગોળાકારમાં ઝૂંપડી બનાવી હતી. ઝૂંપડીની અંદર સાડીઓથી, ફૂલોથી, મોરનાં પીંછાંથી- એમ અલગ અલગ રીતે ઝૂંપડી શણગારતા. તેઓશ્રીની ઊંચાઈ પ્રમાણે બેઠક બનાવી રાજાશાહીથી શણગારતા. આમ, ઝૂંપડીમાં પૂ.શ્રી બાપુજીને તકલીફ ન પડે તે માટે અંદર જ સંડાસ - બાથરૂમ રાખ્યું હતું. આ જમીન પર કપાસ ઉગાડતા હતા માટે આ જગ્યા પરથી કપાસ કાઢીને ઘરના, પાડોશીઓએ ઉમંગથી દર્ભની ઝૂંપડી બનાવી.
પૂજ્ય બાપુજી અહીં આ ઝૂંપડીમાં પ્રવાસ દરમ્યાન ઘણી વાર આવતા જતા. પૂજ્ય બાપુજીનું માનવું એવું કે સાથે આવનાર મહેમાનોને તકલીફ ન પડવી જોઈએ. એટલે એ રીતે વિચાર કરતાં કરતાં જેમ અગવડ પડતી ગઈ તેમ બાંધકામ કરાવતા ગયા.
શરૂઆતમાં ઘરના સભ્યો બેસીને પ્રાર્થના કરતા. પછી એક દીકરી વર્ષા પ્રાર્થનામાં આવતી થઈ કે જેને વાંચતા આવડે નહિ. પરંતુ પ્રાર્થનામાં આવે. એક દિવસ પૂ.બાપુજીએ તેને પૂછ્યું કે આ શું લખ્યું છે? તો તે વાંચી શકી નહીં. તે સમયે તે પાંચમા ધોરણમાં હતી. સાદું લખાણ હતું. મનના મનોરથ તે પણ વાંચી ન શકી, તે દીકરી અત્યારે બધી જ પ્રાર્થના કરે છે અને પહેલી વાર સમુહલગ્ન થયાં તેમાં તેના પણ લગ્ન થયાં, જે અખાત્રીજે રાખ્યા હતા અને એ દીકરી સાસરે પણ પ્રાર્થના કરે છે અને સંસ્કૃતમાં મંત્રપુષ્પાંજલિ, દત્તપ્રણતિ શીખી હતી.
હવે તો દીકરા - દીકરીઓ ઈશાવાસ્ય ઉપનિષદ, પુરુષસૂક્ત મોઢે બોલે છે. આમ, ઘણી સંખ્યામાં બાળકો પ્રાર્થના કરતા થયા કે જેના ઘરમાં ભગવાન શું, પ્રાર્થના શું? કંઈ જ ખબર ન હતી, તે દરેક ઘરના બાળકો હવે પ્રાર્થનામાં બેસતા થઈ ગયા. ગામમાં કોઈની પણ ગાડી આવે તે દરેકને બાળકો ઊભા રહી ”ગુરુદેવ દત્ત” બોલે છે.
જે દીકરાઓ - દીકરીઓ પ્રાર્થનમાં આવતા ગયા તેઓની સાથે ગમ્મતની સાથે જ્ઞાન આપી પૂ.બાપુજીએ તેઓના જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો કે જેઓ વ્યસન કરતા હોય તે કરતા બંધ થયા અને જાણે ગુરુવારે સાંજે તો મેળા જેવું વાતાવરણ લાગે. આમ, પૂ.બાપુજીનો નિર્દોષ પ્રેમ જોઈ બાળકો ગામમાંથી કુટિરે આવતા થયા. જે બાળકોને વહેલા ઊઠવું, શું કરવું, કંઈ ખબર જ નહીં, તે સવારમાં ૭ વાગ્યે ઊઠીને નાહી-ધોઈ તૈયાર થઈ કુટિરે આવતા થયા. "અમરઆદેશ" મોઢે બોલે. બાળકોને પ્રસાદમાં પૌષ્ટિક ખોરાક મળે તે રીતે પ્રસાદ અને પરિસ્થિતિ સારી ન હોવાથી બાળકોને થોડા થોડા દિવસે જમણવાર પણ કરાવે છે. અહીંના બાળકોએ બધી જ વાનગી ખાધી છે.
સૌ પ્રથમ તા. ૧૯-૪-૦૭ના રોજ વિના મૂલ્યે ૨૧ યુગલોનો લગ્નમહોત્સવ રાખ્યો હતો . દીકરીને જીવન જરૂરિયાતની વસ્તુઓ આપવાની. અત્યાર સુધી કુલ ૩૦૩ યુગલો લગ્નગ્રંથિથી જોડાયા છે અને તેમાં પૂ.બાપુજીએ ત્રણ સમૂહલગ્નો વણકર સમાજના કરેલ છે. હજી સુધી કોઈ સંતે આવું કાર્ય કર્યું નથી- તે આપણા પૂ.બાપુજીએ કર્યું.
પૂ.બાપુજી દ્વારા ગામના અને આજુબાજુના બાળકો અને મોટેરાંઓને સ્વેટર વિતરણ, ધાબળા, કપડાંનું વિતરણ થતું. ગામની અને આજુબાજુની વિધવા બહેનોને દિવાળી ઉપર, ઉત્તરાયણ ઉપર, હોળી ઉપર તેમના ઘરે મદદ પહોંચાડવામાં આવે છે. આમ, ગામ, શાળા અને ધાર્મિક સંસ્થાઓમાં પણ પૂ.બાપુજી ફાળો આપે છે, મોકલાવે છે.
આ જગ્યા ગામથી એક કિલોમીટર દૂર ખેતર વિસ્તાર હોવાથી અહીં લાઈટનું થ્રિફેઝ કનેક્શન હોવાથી અહીંયાં ૮ કલાક જ લાઈટ આવતી હોય છે, જે ખેતરોમાં પાક મેળવવા પાણી લેવામાં આવે છે. જેથી કરીને અહીંના ખેતરોમાં રહેતા આજુબાજુના લોકોને પીવાનું પાણી પણ મળતું ન હતું. તેથી પૂ.બાપુજી અહીં આવ્યા પછી તેઓશ્રીએ સિંગલ ફેઝથી ચાલે એવો બોર કરાવ્યો અને પાણીની ટાંકી કરાવી જેથી ૨૪ કલાક પીવાનું પાણી લોકોને મળી રહે. બીજા બધા કુવાઓનું પાણી ખારું છે, જયારે અહીંનું પાણી પૂ.બાપુજીના આશીર્વાદથી મીઠું રહ્યું છે. જેથી ઘણાં બધા લોકો અહીંથી જ પાણી ભરી જાય છે.
આમ, કોઠિયાખાડ ગામમાં ગરીબી હેઠળ જીવતા બધાને મદદ મળી રહે એ હેતુથી ૭૫ મકાનો અને ૧૭૦ સંડાસ બનાવ્યા. આજે પણ જરૂરિયાતવાળાઓને આ સેવા પૂરી પાડવામાં આવે છે.
પૂજ્યશ્રી બાપુજી આવ્યા પછી કોઠિયાખાડમાં દવાનો કેમ્પ થયો. તેમાં દમ - શ્વાસ અને ટી.બી. માટે નિઃશુલ્ક કેમ્પ થયો. કેમ્પમાં અમદાવાદના પ્રખ્યાત ડૉ.શ્રી નરેન્દ્રભાઈ રાવલ- જે ફેફસાનાં નિષ્ણાત છે- તેઓ આવેલા. તેમાં આજુબાજુના ગામના લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી ઘણા દર્દીઓને સારું થયું.
પૂ.બાપૂજી અમેરિકા હતા ત્યારે ગુજરાતમાં અતિવૃષ્ટિ આવેલ. તે સમયે ત્યાંથી પૂ.બાપુજીએ આદેશ કર્યો કે પૂર-રાહતકાર્ય શરુ કરો. એટલે બીજા દિવસથી પૂર-રાહતકાર્ય ચાલુ કર્યું. બોરસદ, ખંભાત, તારાપુર , સોજીત્રા, નવાપુર અને આંકલાવ તાલુકાનાં ગામો તથા વડોદરા - ભરૂચ જિલ્લાનાં ઘણાં ગામોમાં "શ્રીપ્રેમકુટિર" દ્વારા રાહત પહોંચાડવામાં આવી. શ્રીરંગ અવધૂત પરિવાર લીંચ - કોઠિયાખાડ - નારેશ્વર દ્વારા જે પૂર-રાહતકાર્ય શરુ કર્યું તેમાં અસરગ્રસ્ત કુટુંબને અઠવાડિયાનું રેશન, કપડાં, ચંપલ તથા પશુઓ માટે ૧ પશુ દીઠ ૫ કી. ગ્રા. પશુદાણાનું વિતરણ કરેલું. કોઈપણ ભેદભાવ વગર જરૂરિયાતમંદોની સેવા કરી. તેમાં કોઈ પ્રચાર - પ્રસાર નહીં.
ઉપરોક્ત બધી જ સેવાઓ આજે પણ અગાઉની જેમ જ દર વર્ષે જરૂરિયાતવાળાઓને પરમ પૂજ્ય શ્રીપ્રેમ અવધૂત મહારાજના સૂક્ષ્મ સાંનિધ્યમાં પૂરી પાડવામાં આવે છે.
પૂ.બાપુજીના કોઠિયાખાડ આવવાથી કોઠિયાખાડ ગામ દેશ - વિદેશે પ્રચલિત થયું છે. ઘણા પરદેશના લોકો અહીં આવ્યા, સંતો - ઉદ્યોગપતિઓ આવ્યા અને સામાન્ય ગરીબ પ્રજા પણ આવે છે. સૌને માટે પૂ.બાપુજીનો સરખો જ પ્રેમ.
પૂજ્ય બાપુજીએ જરૂરિયાતમંદોની શારીરિક સેવાની સાથે સાથે ગામના નાના બાળકોને ભક્તિના માર્ગે વાળ્યાં. સાથે સાથે આધ્યાત્મિકતામાં આગળ વધેલા કે આગળ વધવા ઇચ્છતા ભક્તોને પણ ખૂબ માર્ગદર્શન પૂરું પાડી તેમની આધ્યાત્મિક પ્રગતિ કરી.
બીજી વાત એ કે મારાં (શ્રી નરવતસિંહ પઢિયારનાં) માતાજીની ભક્તિ, ભાવના, ત્યાગ અને મહેનતનું વર્ણન થઇ શકે તેમ નથી. એક નાનો પ્રસંગ લખું છું. અમારા ગામમાં હાથી લઈને જૂનાગઢ બાજુથી બાવાની જમાત આવતી. એક વખત જમાત આવી. તેઓ કહે કે "મધુબા! આજે શું આપશો?" મધુબા કહે કે "પાંચ મણ ઘઉં ભરેલા ગુણોની થપ્પી ભરેલી છે. તો તમારા હાથીને કહો કે લઇ જાય." આમ, આ ૧૯૬૫-૬૬ના વર્ષમાં પણ મહારાજને પાંચ મણ ઘઉં આપેલા. તેની બધી ફલશ્રુતિ ગણો કે જે માનો તે, પરંતુ અમારા ગામમાં પૂ.બાપુજી આવ્યા તે જ અમારું સદ્ભાગ્ય. આમ, મારા માતુશ્રીના પુણ્યે અત્યારે “શ્રીપ્રેમકુટિર” બનેલ છે. તેમાં મારા માતા- પિતાના જ આશીર્વાદ છે.
વસંત ઋતુના આગમનની જેમ પૂજ્ય બાપુજીના આગમન વખતે નાના બાળકોથી માંડીને વડીલો બધા જ ઉત્સાહભેર બાપુજીને વધાવવા એરપોર્ટ ઉપર પહોંચી જતા અને બાપુજી પણ બાળકોને જોઈ બાળક બની થેલામાંથી પ્રેમપૂર્વક ચોકલેટ કે લોલીપોપ કાઢીને આપતા. બાપુજીની વિદાય વખતે બધા જ ઢીલા બની રડવા લાગે ત્યારે “અબ ખૂબ હંસો, અબ ખૂબ હંસો” ભજન ગાવાનું અને "બધા જ એરપોર્ટ પર ના આવશો" એમ કહેતા. તેમ છતાં થોડી ગાડીમાં પણ બને એટલા બાળકો અને ભક્તો બેસીને આવતા અને છેક છેલ્લે સુધી બાપુજીને જોયા જ કરતા. ભક્તોના પ્રેમને વશ બાપુજીને પણ આંખમાં ઝળઝળિયા આવતા.