બાપુજી નું જીવન ચરિત્ર

પરમ પૂજ્ય શ્રીપ્રેમ અવધૂતજી

જન્મ તા.: ૧૩ સપ્ટેમ્બર, ૧૯૩૧ (ભાદરવા સુદ એકમ - રવિવાર)

જન્મ સ્થળ : લીંચ (જગુદણ), તાલુકો-જિલ્લો: મહેસાણા, ઉત્તર ગુજરાત, ભારત. પિન: ૩૮૪૪૩૫

બ્રહ્મલીન તા.: ૪ ફેબ્રુઆરી, ૨૦૧૨ (મહા સુદ બારસ શનિવાર)

દેહવિલય સ્થળ: કોઠિયાખાડ, તાલુકો: બોરસદ, જિલ્લો: આણંદ, ગુજરાત. પિન: ૩૮૮૫૨૦

મૂળ નામ: શ્રીપ્રેમશંકર કૃપાશંકર રાવલ

હુલામણું નામ: બચુભાઈ

ઓડિયો સાંભળો
પરમ પૂજ્ય શ્રીપ્રેમ અવધૂતજી

પિતાશ્રી કૃપાશંકરની શિવભક્તિ અને માતા શાંતાબેનની કૃષ્ણભક્તિના ફળસ્વરૂપે બચુભાઈનો જન્મ થયો અને આધ્યાત્મિકતા ગળથૂથીમાંજ મળી અને એ આધ્યાત્મિક બીજમાં વધારો થાય એમ ઉછેર કર્યો.

કૃપાશંકર એક ઋષિની માફક અયાચક વૃત્તિથી પુરોહિતનું કાર્ય કરતા અને સાથે સાથે પાન બીડીની દુકાન ચલાવી પરિવારનો નિર્વાહ કરતા.

માતા શાંતાબેન ખૂબ જ ભક્તિભાવવાળા, પણ ભણેલા નહિ. ઉત્સાહ અને ખંતને લીધે લીંચ આવી લખતા વાંચતા શીખ્યા અને પિતરાઈ ભાઈ પાસેથી વેદાંત પણ શીખ્યા. મા શાંતાબેને ૨૦૦ વખત શ્રીગુરુલીલામૃતના પારાયણ કર્યા અને ભાગવતના ૮ થી ૧૦ વખત પારાયણ કર્યા.

બચુભાઈ નાનપણમાં વાંકડિયા વાળ સાથે ખૂબ જ દેખાવડા હતા. એક વર્ષના હતા ને પારણામાં (ઘોડિયા) ઝૂલતા હતા ત્યારે એક સાપ એમના ઘોડિયાની પ્રદક્ષિણા કરી જતો રહ્યો.

અનુભવી લોકોએ કહ્યું કે આ પ્રસંગ ભવિષ્યમાં થનાર આધ્યાત્મિક પ્રગતિનું સૂચન કરે છે કે બચુભાઈ પોતાને સંસારી આસક્તિથી દૂર રાખશે.

જ્યોતિષીએ માતા પિતાને જન્માક્ષર જોતા કહ્યું કે આ બાળક ખૂબ આધ્યાત્મિક પ્રગતિ કરશે અને એનો આ જન્મ છેલ્લો જન્મ છે.

માતા શાંતાબેન બચુભાઇને નાનપણમાં જશોદામાની જેમ ખોળામાં રાખી ધ્રુવ, પ્રહલાદ, નરસિંહ મહેતા અને મીરાંબાઈની વાર્તા કરતા. શાંત સ્વભાવના બચુભાઇને ધ્રુવની વાર્તા ખૂબ જ ગમતી અને ધ્રુવની જેમ ભગવાનના દર્શન કરવાની ઝન્ખના મનમાં રહેતી એ મુજબ છ જ વર્ષની વયે પૂજા કરતા. મોટા સુમિબેન સાથે બચુભાઈનો પ્રેમ ગજબનો, એમને ક્યારેય દુઃખી જોઈ ના શકે.

સાત વર્ષે બચુભાઈ જનોઈ ધારણ કરી દ્વિજ બન્યા.

ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન મૌન સેવી અને ખાલી ગાયનું દૂધ પર રહી કરતા, આમ તેઓ સાધના પથ પર ચઢી ગયા.

બચુભાઈએ ૧૨૫૦૦૦ ગાયત્રી મંત્ર - પુરશ્ચરણ રૂપે એમ ૩ ગાયત્રી પુરશ્ચરણ કર્યા. સાથે સાથે વિષ્ણુ, શિવ અને મા અંબાની પણ આરાધના કરી. પ્રવાસમાં શિવલિંગ પોતાની સાથે રાખતા અને પૂજા કર્યા સિવાય કંઈ ખાતા નહિ. હનુમાનજીએ રામજીની કરેલી સેવા બહુ ગમતી એટલે રોજ હનુમાનચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરતા સાથે સાથે અસંખ્ય રામ રામના જપ દુકાનનું કામ સંભાળતા સંભાળતા કરતા.

બચુભાઈ શ્રી સીતારામદાસજી નામ ના સંતના સંસર્ગમાં આવ્યા, એ જયારે અધિક મહિનામાં લીંચ પધારતા તો એમની સાથે ૨ થી ૨-૧/૨ કલાક બેસતા. એ સંતે બચુભાઇને આશિષ પાઠવ્યા, “બચુ, તું બડા હોનેવાલા હે” અને કહ્યું કે “ગાયનું દૂધ પીને શરીર સારું રાખવું, રોજ ૩૦ મિનિટ ગાયત્રી મંત્ર બોલવા, ૩૦ મિનિટ સામાજિક સેવા કરવી અને એક કલાક ધાર્મિક પુસ્તકો વાંચવા” એક વાર એ સંતને લકવો થયો હતો અને એ લીંચ આવેલા તો બચુભાઈ રોજ ૮ કિલોમીટર (૫ માઈલ) ચાલી જતા, માલીશ કરી બીજે દિવસે ૮ કિલોમીટર ચાલી પાછા આવતા. એ રીતે બચુભાઈ ગામમાં આવતા સંતોની સેવા કરતા એમાં રાત દિવસ પણ જોતા નહિ.

એક વાર બચુભાઇને દિવ્ય સ્વપ્ન આવેલું અને તિબ્બતના સિદ્ધ સંતોમાંથી એક સિદ્ધ મહાત્માએ કહ્યું કે “તમારો જન્મ ખાલી ગૃહસ્થ જીવન માટે નથી. અમે તિબ્બતનાં મહાત્મા છીએ, અમે દુનિયામાં ધર્મનું સંચાલન કરીયે છીએ અને જેમ જરૂર હોય તેમ માણસોની નિયુક્તિ કરીયે છીએ.” બચુભાઇએ શ્રી હનુમાનદાસ પોદાર દવારા કલ્યાણ મેગેઝીનમાં લખાયેલ લેખ, “સિનેમા મનોરંજન યા વિનાશ કા સાધન” વાંચ્યો, ૧૬ વર્ષની વયે સિનેમા આજીવન ના જોવાનો નિર્ણય કર્યો.

એ જ રીતે બચુભાઇએ, “ચામડાની કરુણ કહાની” જેમાં ચામડાની વસ્તુઓ બનાવવા પ્રાણીઓ ઉપર કરવામાં આવતા જુલ્મની વાતો લખેલી - જેની બચુભાઇના હૃદય ઉપર ખુબ અસર થઈ અને એમણે આજીવન ખુલ્લા પગે ચાલવાનો નિર્ણય કર્યો.

બચુભાઇએ વર્નાકયુલર ફાઈનલ પાસ કરી, ઈંગ્લિશ ભણવાની ખૂબ ઈચ્છા હતી છતાં પણ પિતા અને ઘરના વડીલોએ વિચાર્યું, “બ્રાહ્મણનો દીકરો દાસત્વ ના સ્વીકારે” એ ભાવે પાઠશાળામાં સંસ્કૃત ભણવાનું નક્કી કરવામાં આવ્યું.

સમય જતા સાટા પદ્ધતિથી સુમીબેનના વેવિશાળ રાજપુરના શ્રી અંબાલાલ પુરોહિત અને મેનાબેનના દીકરા શ્રી વિષ્ણુભાઈ સાથે કરવામાં આવ્યા અને બચુભાઈના વેવિશાળ એમની જ નાની દીકરી મધુબેન કે જે મા અંબાની આરાધનાથી પ્રાપ્ત થયેલ તેમની સાથે થયા.

બચુભાઈનો પાઠશાળાનો સમય પ્રતિકૂળ પરિસ્થિતિથી બહુ લાંબો ના ચાલ્યો અને અંતે બચુભાઇએ પુરોહિત થવા કર્મકાંડ શીખવા માંડ્યું અને મામા પાસેથી રુદ્રી, શિવ મહિમ્ન સ્તોત્ર અને હાર્મોનિયમ શીખ્યા. કર્ણપ્રિય અવાજ ધરાવતા બચુભાઈ માટે સોનામાં સુગંધ ભળી.

વૈશાખ સુદ અગિયારસ, વિક્રમ સંવત ૨૦૦૫ બચુભાઈના લગ્ન મધુબેન સાથે થયા.

ભોગીમામાએ નારેશ્વરથી લાવેલ રંગ બાપજીના ફોટાના બચુભાઈએ દર્શન કર્યા, રંગ બાપજીની આંખોથી ખૂબ પ્રભાવિત થયા અને મનમાં આંખો જોવાની ખૂબ ઈચ્છા થઇ. બાપજીએ એ ઈચ્છા પૂર્ણ કરી. ચૈત્ર સુદ પાંચમે બચુભાઇને રંગ બાપજીની આંખોના દર્શન ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં મન ભરીને થયા - જાણે પરબ્રહ્મના દર્શન થઈ ગયા.

પૂજ્ય બાપુજી હંમેશા કહેતા, “જે પરનો વિચાર કરે તેને પરબ્રહ્મ મળે” અને એ ભાવથી ગુજરાતના દરેક શહેરો, ગામો, બનાસકાંઠા તથા રાજસ્થાન બોર્ડર સુઘીના ગામો, કચ્છના ગામોમાં જ્યારે જયારે કુદરતી આપદા આવી તો એ વખતે કે શિયાળાના સમયે અને દર વર્ષે પરનો વિચાર કરી જરૂરિયાતવાળાને જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે આનાજની કીટો, વસ્ત્રો, ધાબળા, પાથરણા, વાસણો, ચંપલો, સ્કૂલ યુનિફોર્મ, સ્લેટ, નોટબુક, પ્લાસ્ટિકના પાથરણા - ઝૂપડામાં વરસાદ ના આવે એ માટે - એમ જે જે થઇ શકે એ બધી જ રીતે ઉપયોગી બની સર્જનમાત્રની સેવા કરી.

પરમ પૂજ્ય શ્રીપ્રેમ અવધૂતજી, ઈ.સ. ૧૯૮૯માં, પરદેશમાં સૌ પ્રથમ શ્રી દિનેશભાઇ દવેના ઘેર શિકાગો ડૉ. ઈન્દુભાઈ દવે અને એમના પત્ની સૌ પન્નાબેન સાથે પધારેલા.

ઈ.સ. ૧૯૯૮ થી ઈ.સ. ૨૦૦૯ સુધી ગુરુમહારાજના મિશનના કાર્યને આગળ ધપાવવા યુ.એસ.એ. અને અને કેનેડાના ૧૪ રાજ્યો અને ૧૭ શહેરોમાં જ્યાં જ્યાં રંગ ભક્તોએ બોલાવ્યા ત્યાંનો પ્રવાસ ખેડી ૧૩ વર્ષની એ મુસાફરીના અંતરનું સરવૈયું કાઢીએ તો પૃથ્વીથી ચંદ્ર સુધીના અંતર કરતા ૮૧,૭૨૮ માઈલ, એટલે કે એક્યાશી હજાર સાતસો અઠ્ઠાવીસ માઈલ કરતાંય વધારે અંતરનો પરદેશનો પ્રવાસ પ.પૂ. શ્રીરંગ અવધૂત મહારાજના મિશનમાટે પૂજ્ય શ્રીપ્રેમ અવધૂતજીએ કર્યો ગણાય.

ગુરુમહારાજના મિશનના લોકસંગ્રહના કાર્યને આગળ રાખી, સંસ્કૃતિ દ્વારા સંસ્કારનું બાળકોમાં સિંચન થાય, દત્ત રંગ ભક્તિના બીજ બાળકોમાં પણ રોપાય અને આપણી ત્રીજી પેઢી તૈયાર થાય એ માટે યુ.એસ.એ. અને કેનેડામાં જુદી જુદી જગ્યાએ રંગ ભક્તોના ઘરે એમની ભાવનાને માન આપી પધરામણી સાથે રક્ષાબંધન, યજ્ઞોપવિત, વનપર્વ (પીકનીક), સ્વામીમહારાજની જયંતી, જન્માષ્ટમી, શ્રીપાદશ્રીવલ્લભ જયંતી સાથે શ્રીગણેશચતુર્થી, શ્રાવણ મહિનાના દર સોમવારે બધા ભાઈ બહેનોનું શિવમહિમ્નનું સમૂહમાં આવર્તન, સાથે સાથે દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખી પરિવાર ભાવનામાં વધારો થાય અને બાળકો રંગબાપજી, શ્રવણ, મીરાંબાઈ વગેરે સંતોના જીવનના જુદા જુદા બોધક પ્રસંગો વેશભૂષા/ પાત્ર અભિનય, ભજન/ નૃત્ય દ્વારા ભજવતા - આમ, બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય, સમાજમાં શાંતિ પથરાય અને બધા ઉપાસનાના માર્ગે આગળ વધે તેવા કાર્યક્રમો પહેલા વર્ષથી જ શરુ થયા. જેનું સાતત્ય તે પછીના વર્ષોમાં પણ જળવાયું છે.

આ સાથે સમાજમાં સર્વધર્મ સન્માન, સર્વધર્મ સમન્વય - ધર્મ એક જ છે અને તે માનવતા! એવા સૂત્રોને અનુસરીને પરદેશમાં વસતા ક્રિશ્ચિયન, યહૂદી, શીખ તેમજ ઇસ્લામ ધર્મમાં અમેરિકન અને કેનેડિયન મુમુક્ષુઓ, જે આવે તે બધાની માવજત કરી. સરવાળે ધર્મ માટે વ્યવહારૂ પગલાં લઈ મનુષ્યની ઈચ્છાથી અંદર રહેલા દૈવી અંશનું પ્રગટીકરણ પરમ પૂજ્ય શ્રીપ્રેમ અવધૂતજીના હાથે થયું એમ ચોક્કસપણે કહી શકાય